અધ્યાય 8 · શ્લોક 5

અન્તકાલે ચ મામેવ સ્મરન્મુક્ત્વા કલેવરમ્ ।

યઃ પ્રયાતિ સ મદ્ભાવં યાતિ નાસ્ત્યત્ર સંશયઃ ॥૫॥

અર્થ

વળી જે અંત:કાળે મારું સ્મરણ કરતાં કરતાં શરીર નો ત્યાગ કરે છે, તે મારા સ્વરૂપમાં સમાઈ જાય છે,તેમાં શંકા ને સ્થાન નથી.(૫)

ભાષ્ય

હવે ભગવાન અર્જુનના સાતમા પ્રશ્નનો ઉત્તર આપવાનું શરૂ કરે છે કે અંતકાળે ભગવાનને કેવી રીતે જાણવા (અને પ્રાપ્ત કરવા). ભગવાન કહે છે: 'યઃ અન્તકાલે ચ મામ્ એવ સ્મરન્' – જે મનુષ્ય અંત સમયે (મૃત્યુ સમયે) પણ કેવળ મારું જ સ્મરણ કરતો થકો 'કલેવરમ્ મુક્ત્વા પ્રયાતિ' – શરીર છોડીને જાય છે, 'સઃ મદ્ભાવં યાતિ' – તે મારા ભાવને (મારા સ્વરૂપને, મારા ધામને) પામે છે. 'અત્ર સંશયઃ ન અસ્તિ' – આમાં જરા પણ શંકા નથી. અંત સમયનું ચિંતન અત્યંત મહત્વનું છે અને તે પરમાત્માનું હોય તો તે પરમાત્માની પ્રાપ્તિ કરાવે છે.

Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.