અધ્યાય 4 · શ્લોક 6

અજોઽપિ સન્નવ્યયાત્મા ભૂતાનામીશ્વરોઽપિ સન્ ।

પ્રકૃતિં સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મમાયયા ॥૬॥

અર્થ

(૧) -પરમાત્મા નો બ્રહ્મ (શુદ્ધ ચૈતન્ય) તરીકે કોઈ આકાર નથી. (પરમાત્મા નિરાકાર છે) (૨)- આ આકાશ જેવા –નિરાકાર પરમાત્માનો આકારરૂપે જન્મ કેવી રીતે થઇ શકે ? એટલે પરમાત્મા નો બ્રહ્મ તરીકે કોઈ જન્મ નથી. (પરમાત્મા અજન્મા છે) (૩)-અનંત આકાશ સર્વ જગ્યાએ છે. તેમ પરમાત્મા સર્વ જગ્યાએ છે (પરમાત્મા સર્વત્ર છે)

માટી માંથી જયારે ઘડો બનાવવામાં આવે છે ત્યારે જ – ઘડો- ઘડા તરીકે આંખ આગળ નજરે પડે છે.

આ જ રીતે પરમાત્મા (બ્રહ્મ) પણ,માયા (પ્રકૃતિ) નો સ્વીકાર કરી ને, જન્મ (શરીર-અવતાર) ધારણ કરે છે. (સર્ગ-સિદ્ધાંત)

આમ માયા ના સંસર્ગ (યોગ) થી, શરીર ધારણ કરી ને –“એક” પરમાત્મા (બ્રહ્મ)- “દેવ” (રામ-કૃષ્ણ-વગેરે) બને છે. એટલે કે એમ પણ કહી શકાય કે- પરમાત્મા (બ્રહ્મ) અને શ્રીકૃષ્ણ એમ બે જણા –(બે પરમાત્મા) હાજર છે,એવું દેખાય છે. પણ- જેમ દર્પણ ની અંદર પ્રતિબિંબ પડે –ત્યારે એક વસ્તુ –એ- બે વસ્તુ જેવી દેખાય છે, પણ તેમ છતાં –વસ્તુ તો એક ની એક જ રહે છે.માત્ર બે વસ્તુ થયા નો ભાસ (ભ્રમ) થાય છે.તેમ.

દર્પણ એ માયા છે-જેમાં પરમાત્માનું –શ્રીકૃષ્ણ રૂપી પ્રતિબિંબ પડે છે. આ પ્રતિબિંબ ને (શ્રીકૃષ્ણને) આપણે જોઈ શકીએ છીએ, પણ જેનું (પરમાત્માનું) પ્રતિબિંબ પડે છે- તે પરમાત્મા ને જોઈ શકાતા નથી. (સહેજ સહેલાઈ થી સમજવા માટે જ દર્પણ નું ઉદાહરણ છે- તેને વધુ આગળ ખેંચીશું નહિ.)

શ્રીકૃષ્ણ-શરીર થી (દેવ-રૂપી અવતારથી) જગત ના જે જે કર્તવ્ય કર્મો કરે છે-ત્યારે તે – એક સામાન્ય માનવી ની જેમ વર્તે છે-(વર્તતા દેખાય છે)- તે જોઈ ને લોકો ને –શ્રીકૃષ્ણ (પરમાત્મા) પણ કર્મો ને આધીન છે,તેવું લાગે છે, પણ તે માત્ર ભ્રમ છે.

નાટક નો કોઈ કલાકાર જેમ જુદાં જુદાં પાત્રો ધારણ કરે છે,પણ તેનાથી, તે પોતે બદલાઈ જતો નથી, તેવી જ રીતે પરમાત્મા (બ્રહ્મ), શ્રીકૃષ્ણ નો અવતાર લઇ (સાકાર બની) ને નાટકના કલાકાર ની જેમ, નાટક માં જે પાત્ર ભજવવાનું હોય , તેવો માત્ર બહાર નો આકાર જ (જગતને દેખાતો આકાર-શરીર-સાકાર સ્વ-રૂપ-દેવ-રૂપ-શ્રીકૃષ્ણ) ધારણ કરે છે. (૬)

ભાષ્ય

ભગવાન હવે પોતાના જન્મના દિવ્ય રહસ્યને વધુ સ્પષ્ટ કરે છે. તેઓ કહે છે: 'અજોઽપિ સન્ અવ્યયાત્મા' – હું અજન્મા (જેનો જન્મ થતો નથી) અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં, તથા 'ભૂતાનામ્ ઈશ્વરોઽપિ સન્' – સર્વ પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં, 'પ્રકૃતિં સ્વામ્ અધિષ્ઠાય' – મારી પોતાની યોગમાયા શક્તિનો આશ્રય લઈને, 'સંભવામિ આત્મમાયયા' – હું મારી માયા દ્વારા પ્રકટ થાઉં છું (જન્મ ધારણ કરતો હોઉં તેવું દેખાવું છું). આનો અર્થ એ છે કે ભગવાનનો જન્મ સામાન્ય જીવો જેવો કર્મના બંધનને કારણે નથી હોતો. તેઓ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી, પોતાની દિવ્ય શક્તિ (આત્મમાયા) દ્વારા, પોતાના શુદ્ધ સત્ત્વમય સ્વરૂપને પ્રકટ કરે છે. તેમનો દેહ માયાથી બનેલો હોવા છતાં, તેઓ માયાના નિયમોને આધીન નથી, પરંતુ માયાના સ્વામી છે. તેથી તેમનો જન્મ અને શરીર દિવ્ય અને અલૌકિક છે.

Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.