અધ્યાય 5 · શ્લોક 11
કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈરિન્દ્રિયૈરપિ ।
યોગિનઃ કર્મ કુર્વન્તિ સઙ્ગં ત્યક્ત્વાત્મશુદ્ધયે ॥૧૧॥
અર્થ
યોગીઓ માત્ર મન,બુદ્ધિ અને ઇન્દ્રિયોથી ફળની આસક્તિ છોડી દઈઆત્માની શુદ્ધિ માટે કર્મો કરે છે.(૧૧)
ભાષ્ય
કર્મયોગીઓ કયા સાધનોથી અને કયા ઉદ્દેશ્યથી કર્મ કરે છે તે સ્પષ્ટ કરે છે. 'યોગિનઃ' – કર્મયોગીઓ 'કાયેન' (શરીર દ્વારા), 'મનસા' (મન દ્વારા), 'બુદ્ધ્યા' (બુદ્ધિ દ્વારા), 'કેવલૈઃ ઇન્દ્રિયૈઃ અપિ' – અને કેવળ (મમત્વ રહિત) ઇન્દ્રિયો દ્વારા પણ, 'સંગં ત્યક્ત્વા' – આસક્તિનો ત્યાગ કરીને, 'આત્મશુદ્ધયે કર્મ કુર્વન્તિ' – આત્મશુદ્ધિ માટે (અંતઃકરણની શુદ્ધિ માટે) કર્મો કરે છે. તેમનો ઉદ્દેશ્ય કર્મો દ્વારા કોઈ ભૌતિક ફળ મેળવવાનો કે યશ પ્રાપ્ત કરવાનો નથી, પરંતુ કર્તવ્ય ભાવે, અનાસક્ત રહીને કર્મો કરવાથી ચિત્ત શુદ્ધ થાય અને આત્મજ્ઞાન માટે યોગ્યતા પ્રાપ્ત થાય, એ જ તેમનો એકમાત્ર હેતુ હોય છે. તેઓ શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોને પણ પરમાત્માનાં સાધન માનીને કર્મ કરે છે, તેમાં 'હું' અને 'મારું' પણું રાખતા નથી.
Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.