અધ્યાય 9 · શ્લોક 23
યેઽપ્યન્યદેવતા ભક્તા યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ ।
તેઽપિ મામેવ કૌન્તેય યજન્ત્યવિધિપૂર્વકમ્ ॥૨૩||
અર્થ
અન્ય દેવોને ઉપાસતા લોકો શ્રધાયુક્ત થઇ તે દેવતાઓનું પૂજન-યજન કરે છે. હે કાન્તેય !તેઓ પણ મારું જ યજન કરે છે. પરંતુ તેમનું એ આચરણ અવિધિપૂર્વકનું હોય છે.(૨૩)
ભાષ્ય
ભગવાન ફરી અન્ય દેવતાઓના ભક્તોની વાત કરે છે. 'હે કૌન્તેય!' 'યે અપિ અન્યદેવતા ભક્તાઃ' – જે અન્ય દેવતાઓના ભક્તો 'શ્રદ્ધયા અન્વિતાઃ (સન્તઃ)' – શ્રદ્ધાથી યુક્ત થઈને 'યજન્તે' – પૂજા-યજન કરે છે, 'તે અપિ મામ્ એવ યજન્તિ' – તેઓ પણ (અજાણતાં) મારું જ યજન કરે છે. કારણ કે સર્વ દેવતાઓ મારા જ સ્વરૂપો છે. 'તુ' (પરંતુ) 'અવિધિપૂર્વકમ્' – તેમનું એ યજન અવિધિપૂર્વકનું (શાસ્ત્રના યથાર્થ જ્ઞાન વિનાનું, ભગવાનના સર્વોચ્ચ સ્વરૂપને ન ઓળખતાં કરાયેલું) હોય છે.
Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.